ગુરુવાર, માર્ચ 08, 2012

આજી નદી

આજી નદી
રાજકોટ તાલુકાનાં સરધાર તથા લોધિકા ગામ ના ટેકરાઓમાંથી નીકળે છે તેમજ જિલ્લાનાં રાજકોટ, પડધરી અને મોરબી તાલુકામાંથી પસાર થઇ પડધરી તાલુકાનાં ખજૂરડી ગામ પછી જામનગર જિલ્લામાં પ્રવેશીને એજ જિલલાના જોડીયા તાલુકાના રણજીતપર ગામ પાસે સમુદ્રને મળે છે. આજી મુખ્ય સ્વતંત્ર નદી છે. આજી નામનો અર્થ થાય છે પવિત્ર સ્ત્રી.

આ નદીની કુલ લંબાઇ ૧૦૫ કિ.મિ. છે તથા જીલ્લામાં તેની કુલ લંબાઇ ૬૩ કિમી. જેટલી છે. આજી નદી પર આવેલી યોજનાઓમાં રાજકોટ શહેર નજીક ઓરાવા ગામે આજી ડેમ આવેલ છે. જેનો સ્ત્રાવ ક્ષેત્ર ૧૪૨.૪૫ ચો.કિ.મિ. છે. આ યોજના આજી-૧ યોજના તરીકે ઓળખાય છે. અને તે પાણી પુરવઠા યોજના છે. તેમજ રાજકોટ તાલુકામાં આજી-૨ યોજના જેનો સ્ત્રાવ ક્ષેત્ર ૧૭૨.૮૮ ચો.કિ.મિ. છે. તથા પડધરી તાલુકામાં આજી-૩ યોજના કે જેનો સ્ત્રાવ ક્ષેત્ર ૪૮૪.૪૦ ચો.કિ.મિ. છે. નદી દક્ષિણ-પૂર્વ દિશા તરફ્થી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વહે છે.

લેંગ પુસ્તકાલય


રાજકોટ શહેરમાં સિવિલ સ્ટેશન વિસ્તારમાં, (હાલનું પ્રદ્યુમનનગર) રાજકોટના કેળવણીમાં રસ લેતાં અગ્રગણ્ય નાગરીકોએ “વિદ્યા ગુણપ્રકાશ” પુસ્તકાલય જાતે શિક્ષણ પ્રાપ્ત કરવાનાં સાધન રૂપે ઇ.સ. ૧૮૫૬માં શરૂ કર્યું હતુ. સભ્યો દ્દવારા મળતાં લવાજમ અને દાનથી તેનો નિભાવ થતો હતો. ઇ.સ. ૧૮૬૪માં તેનું નવું નામ પુસ્તકાલય સમિતિએ “કાઠિયાવાડ લાયબ્રેરી” રાખ્યું હતું. તા. ૨-૮-૧૮૬૪ની સભામાં મકાન માટે વિચારણા કરતાં રૂ. ૧૩,૦૦૦નો લોકફાળો મળ્યો હતો. ૧૮૬૨માં ‘સ્ટેશન લાયબ્રેરી’ ને આ પુસ્તકાલય સાથે જોડીદેવામાં આવી. ૧૮૬૩માં આ પુસ્તકાલયમાં ૨,૫૦૦ અંગ્રેજી તથા ગુજરાતી પુસ્તકો હતા. ૧૮૬૮માં કાઠીયાવાડ પોલિટિકલ એજન્ટ કર્નલ જ્હોન લેંગની સેવા લક્ષમાં લઇને તેનું નામ આ પુસ્તકાલય સાથે જોડવામાં આવ્યું. ૧૮૬૮માં કોઠી-કમ્પાઉન્ડમાં આવેલ આ લાયબ્રેરીનું મકાન સરકારી પ્રેસે ખરીદી લીધું અને તેની વેચાણની આવકમાંથી ૧૮૯૩માં જ્યુબિલી બાગનું હાલનું મકાન બન્યું. ૧૯૫૮માં આ પુસ્તકાલયમાં ૧૮,૦૦૦ પુસ્તકો હતા જે હાલમાં એક લાખનાં આંકડાને વટાવી ચૂકી છે. આ પુસ્તકાલય રાજકોટ જિલ્લાનું અને કદાચ સૌરાષ્ટ્રનું સૌથી જૂનું પુસ્તકાય છે.


પ્રધ્યુમન પાર્ક


 

ભાવનગર રોડ પર આવેલ પ્રધ્યુમન પાર્ક ૧૩૭ એકર વિસ્તારમાં ફેલાયેલ છે. રાજકોટની બહાર બે સરોવરથી ઘેરાયેલ આ પાર્ક તેના પ્રાકૃતિક સૌંદર્ય ને કારણે વિશેષ આકર્ષિત છે. ટેકરાળ વિસ્તાર પણ મનો રમ્ય છે. અહીં કોઇ પિંજરાઓ રાખવામાં નથી આવ્યા પણ સલામતી માટે ૪ મિટર ઉચા કાટાળા તાર રાખવામાં આવેલ છે એટલે પ્રાણીઓ કૂદી ન શકે અને જોનારને નુકશાન ન કરે.

આ પાર્ક નો આગળનો વિસ્તાર ૪૦ મિટર છે અને પાછળનો વિસ્તાર ૨૯ મિટર છે હાલ અહીં ૪૫ પ્રાણીઓ છે. જેમાં ૧૨ સિંહ, ૧ વાઘ, ૩ ચિત્તા, ૨ હિમાલયન રીંછ, ૪ સાવર, ૩ મગર તેમજ ૧૫ કાચબાનો સમાવેશ થયેલ છે. આ પાર્ક જોવા માટેનો સમય સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી છે.

Rajkot


રાજકોટ

રાજકોટના રાજવી રણમલજી-રજા નો શાસનકાળ ૧૭૯૬ – ૧૮૨૫ રહ્યો હતો. તેમના શાસનકાળ દરમ્યાન જ અંગ્રેજ સરકારે સૌરાષ્ટ્રમાં રાજકોટ કોઠી અને લશ્કરી છાવણી માટે રાજકોટ રાજ્ય પાસેથી વાર્ષિક ૨૮૦૦ રૂ।. ના ભાડાની કેટલીક જમીન મેળવી, ઇ.સ. ૧૮૨૨ માં તેની કામગીરી શરૂ કરી હતી. રણમલજીના અવસાન પછી તેમના પુત્ર સુરાજી રાજકોટના રાજવી બન્યા. તેમણે રાજ્યની નાણાકિય સ્થિતિ સુધારવા કેટલાક પગલા લીધા હતા. રાજકોટમાં બ્રિટીશ સરકારની કોઠી સ્થપાતા સૌરાષ્ટ્રના રાજા રજવાડા તથા અન્ય લોકોએ રાજકોટમાં જમીન ખરીદવાનું શરૂ કરતા, રાજકોટ શહેરના વિસ્તાર અને આવકમાં વધારો થયો હતો. સુરાજીનું ઇ.સ. ૧૮૪૪માં અવસાન થતા તેમના પુત્ર મહેરામણજી- ૪થા રાજકોટના શાસક બન્યા હતા. તેમનો શાસનકાળ ૧૮૪૪ થી ૧૮૬૨ નો રહ્યો. તેમના રાજ્યકાળ દરમ્યાન દડવા અને હોડથલી ગામની સરહદો પાસે ગોંડલ અને રાજકોટના સૈનિકો વચ્ચે સરહદ અંગે વિવાદ થયો હતો. ત્યારે બ્રિટીશ એજન્સીએ સમયસર દરમિયાનગીરી કરી સમાધાન કરાવ્યું હતું.

મહેરામણજી ઈ.સ. ૧૮૬૨માં અવસાન પામતા તેમના પુત્ર બાવાજી રાજ (ઇ.સ.૧૮૬૨-૧૮૯૦) રાજકોટની ગાદીએ આવ્યા. ત્યારે તેમની ઉંમર માત્ર છ વર્ષની હતી. તેમની નાની ઉમરને કારણે રાજકોટનો વહીવટ તેમના દાદી માતૃ શ્રી નાનીબાએ ઇ.સ. ૧૮૬૨ થી ૧૮૬૭ સુધી કુનેહપૂર્વક ચલાવ્યો હતો. સગીર વયના રાજકર્તાઓના રાજ્યો માટે અંગ્રેજ સરકારે મેનેજમેન્ટનો કાયદો પસાર કર્યો હતો. એ માટે અંગ્રેજ સરકારે રાજકોટ રાજ્યના વહીવટ માટે કેપ્ટન જે. એચ. લોઇડ ને નિમ્યા. ઇ.સ. ૧૮૬૭ થી ૧૮૭૪ સુધી રાજકોટમાં બ્રિટીશ વહિવટ રહ્યો. ઇ.સ. ૧૮૭૪ માં બાવાજીરાજને રાજ્યના વહીવટમાં મર્યાદિત અને ૧૮૭૬માં સંપૂર્ણ હકો આપવામાં આવ્યા હતા. તેમના અમલ દરમ્યાન ગાંધીજીના પિતા કબા ગાંધી ઇ.સ. ૧૮૮૧ સુધી રાજકોટના દિવાન રહ્યા હતા. આ સમય દરમિયાન જ શાસકોના શિક્ષણ માટે ઇ.સ. ૧૮૬૮ માં રાજકોટમાં રાજકુમાર કોલેજનો પાયો નખાયો. બાવાજી રાજ આ કોલેજની પ્રથમ બેચના વિદ્યાર્થી હતા. રાજકોટમાં કાઠીયાવાડ હાઇસ્કુલ પણ સ્થપાઇ. તેનું નામ પછી આલ્ફ્રેડ હાઇસ્કુલ રખાયું હતું. તેમાંજ ગાંધીજી ભણ્યા હતા. હાલ તેનું નામ મોહનદાસ ગાંધી વિદ્યાલય છે. તેનું ઉદ્દઘાટન ઇ.સ. ૧૮૭૫ માં થયું હતું. તેના બાંધકામનો ખર્ચ જૂનાગઢના નવાબ મહાબત ખાનજીએ આપ્યો હતો.